મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દ માતા કહીએ છીએ. શિવપુત્ર સ્કન્દ (કાર્તિકેય) સાથેના સંબંધ ઉપરથી માતાજીનું નામ જોડાયેલું છે. નવરાત્રિ દરમિયાન માતાજીની સાધના-આરાધના કરવાનો મહિમા હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના નવ સ્વરૂપોમાંના એક સ્વરૂપ સ્કંદમાતાને વાહન તરીકે સિંહ ઉપર બિરાજમાં થાય છે.
સ્કંદમાતાને કમળના ફૂલ અતિ પ્રિય છે. સ્કન્દજી દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યાં હતાં. પુરાણોમાં તેને શક્તિધર કહ્યા છે. તેમનું વાહન મયૂર હોવાથી તેમને મયૂર વાહન નામે પણ અભિહિત કરાયા છે. આ દેવી સ્કન્દના માતા હોવાથી મા દુર્ગાની પાંચમી શક્તિને સ્કન્દ માતા કહીએ છીએ. તેમનું સ્વરૂપ સૌમ્ય છે. તેમના ખોળામાં બાળ સ્કન્દ (ષટમુખી) બિરાજમાન રહે છે. બે હાથમાં કમળ પુષ્પ અને ચોથા હાથમાં અભયમુદ્રા છે. તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ છે. તે કમળઆસન પર બિરાજમાન રહે છે, તેથી પદ્માસના દેવી પણ કહેવાય છે.
તે સિંહ ઉપર સવારી કરે છે. દુર્ગા સપ્તસતિમાં નજર કરીએ તો, શિવશક્તિ આદ્યશક્તિ, જે સ્કન્દની માતા પણ છે, જેઓ દેવતાઓએ કરેલી દેવી સ્તુતિના કારણે અસુરોનો નાશ કરવામા અંબા તરીકે પ્રગટ થયા. કથા આ મુજબ છે કે, શુંભ અને નિશુંભ નામના પરાક્રમી દૈત્યોએ સ્વર્ગ પર કબજો કરીને મા અંબાજીને પત્ની બનાવવા ઇચ્છતા હતા. ત્યારે આ અસુરોના વધ પહેલા તેમના સેવક અસુર ચંડ અને મુંડ સાથે ભયાનક યુદ્ધ કરી તેમનો વિનાશ કર્યો, ત્યારથી ચામુંડા તરીકે પણ ઓળખાયાં. એવી જ આ શક્તિ, આ સ્કન્દમાતાની ઉપાસના આપણે નવરાત્રિના પાંચમા દિવસે કરીએ છીએ. આ ઉપાસનાથી સાધક કે યોગીનું મન કંઠ પ્રદેશ યાને કે વિશુદ્ધચક્રમાં સ્થિર થાય છે અને સાધક ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધે છે, સમસ્ત લૌકિક સાંસારિક માયાવી બંધનોથી મુક્ત થઈને સ્કન્દ માતાના સ્વરૂપમાં તલ્લીન થઈ જાય છે.
આ દેવીની પૂજાઅર્ચના સાથે સ્કન્દની પણ પૂજા-અર્ચના થાય છે અને માતા સૂર્ય મંડળના અધિષ્ઠાત્રી હોય ઉપાસક પરાક્રમી અલૌકિક તેજ અને કાંતિથી ભરપૂર રહે છે. આ ઘોર અંધકારમય ભવસાગરનાં દુઃખોમાંથી મુક્ત થવા માટે આના સિવાય અન્ય ઉપાય બીજો શું હોઈ શકે.
