નવરાત્રિ 2020:17 ઓક્ટોબરે માતાજીની ઘટ સ્થાપના માટે 3 મુહૂર્ત રહેશે, નોરતાંમાં ઘરના દરવાજા ઉપર સ્વસ્તિક બનાવી એની પૂજા કરો

  • નવરાત્રિ દરમિયાન ગ્રહ ગુરુ ધન રાશિમાં, શનિ મકર રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે, નવરાત્રિમાં રાહુ-સૂર્યનો ષડાષ્ટકયોગ પણ બનશે
  • નવરાત્રિ દરમિયાન દરવાજા ઉપર સ્વસ્તિક બનાવીને એની પૂજા કરવી, 25 ઓક્ટોબરે દશેરા પર્વની ઉજવણી થશે


17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનું પર્વ શરૂ થઇ રહ્યું છે, અહીં જ્યોતિષી રાવલ નવરાત્રિમાં માતાજીનું ઘટ સ્થાપન કેવી રીતે કરવું, પૂજાનું મુહૂર્ત અને સ્વસ્તિક પૂજા કેવી રીતે કરવી એના વિશે જણાવી રહ્યા છે...



ઘટ સ્થાપના અને પૂજાવિધિઃ-

ઘટ સ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવનાં પાન કે આંબાનાં પાન, સવા રૂપિયો અને માતાજીની તસવીરને સફેદ કે લાલ કલરનાં કપડાં ઉપર રાખીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુઓ ખાઈને ઉપાસના કરતા હોય છે તેમજ કડવા લીમડાના મોરના રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.

કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાથી એનું ઝડપથી ફળ મળે છે. ઘણાબધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતી હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદનાં ફૂલ અર્પણ કરે તો તેમના ઉપર પણ માતાજી પ્રસન્ન થતા હોય છે.