મા આદ્યશક્તિ દુર્ગાની સાતમી શક્તિને કાલરાત્રિ કહીએ છીએ. તેમનો દેહ વર્ણ ગાઢ અંધકારની જેમ ખૂબ કાળો છે. માથાના વાળ વિખરાયેલા લઘર વઘર છે. ગળામા વિદ્યુતની માફક ચમકનારી માળા શોભાયમાન છે. તેમને ત્રણ નેત્રો છે. તમામ નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળીના ચમકારા થતા રહે છે. તેમનું વાહન ગર્દભ છે. તેઓ ચારભુજા છે. એક હાથમાં ખડગ, લોખંડનો કાંટો છે બીજા અન્ય હાથમા અભય અને વર મુદ્રા છે.
મા કાલરાત્રિ જોવામાં ખૂબ જ ભયાનક દેખાય છે પરંતુ કાયમ ભક્તોનું શુભ કરનાર છે. તેથી જ તો તેમને શુભંકરી કહેવાય છે. માટે ભક્તોએ ક્યારેય પણ તેનાથી ભયભીત થવાની કે આતંકિત થવાની આવશ્યકતા નથી.
હા એક બાબત જરૂર નોંધવા જેવી છે,કે જ્યારે ભક્તો આસુરી લોકોથી ત્રસ્ત હોય દુઃખી હોય તેવા સંજોગોમાં તેનુ અસલ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અસુરોનો વધ કરીને પોતાને શરણાગત ભકતની હંમેશાં રક્ષા કરે છે. આ બાબતનુ સમર્થન આપણને સપ્તસતીના પાંચમા છઠ્ઠા અને સાતમા અધ્યાયમાથી મળી આવે છે. લોકોને હેરાન કરનાર, દેવતાઓને પરેશાન કરનાર, અધર્મની વૃદ્ધિ કરનાર એવા ભયાનક અસુરો જેવા કે, ચંડ મુંડ ધૂમ્રલોચન અને શુંભ નિશુંભનો વધ કરવા જાતે ધરા ઉપર આવી ને દેવતાગણ સહિતની રક્ષા કરી હતી.
તેથી જ તો સાધક અને યોગીઓ ભક્તો સાતમા નોરતે મા કાલરાત્રિની ઉપાસના કરે છે. તેની ઉપાસના કરવાથી સાધક યોગી પોતાના મનને સહત્રાર ચક્રમા સ્થિર કરે છે. તેમના સાક્ષાત્કારથી સાધકના તમામ દુઃખો વિદાય લે છે પાપ નાશ પામે છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. કાલરાત્રિના સમરણ માત્રથી દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદી નાશ પામે છે, ગ્રહબાધા દૂર થાય છે. અગ્નિભય, જળભય, જંતુભય, રાત્રિભય ક્યારેય લાગતા નથી. તેની કૃપા માત્રથી ભયમુક્ત રહી શકાય છે.
કાલરાત્રિ ના સ્વરૂપને હ્રદય મા ધારી ને એકનિષઠ ભાવે ઉપાસના કરવી જોઈએ, યમ નિયમ સંયમનુ પાલન કરવું જોઈએ મન વચન કાયાથી પવિત્ર રહેવું જોઈએ. તેમની ઉપાસનાથી મળતા શુભો અગણિત છે.
કાલરાત્રિ ઉપાસના મંત્ર: ૐ ક્લીં કાલરાત્રિ ક્ષૌં ક્ષૌં મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા ।
